banner

About Us

શ્રી નાઘેરા આહિર સમાજ વિષે

નાઘેરા આહિર સમાજ એ મૂળ તો સોરઠીયા આહિરની શાખા છે. મૂળ ઉના તથા કોડિનાર વિસ્તાર નાઘેર વિસ્તાર ગણાય છે, ત્યાંથી સ્થળાંતર કરીને રાજુલા વિસ્તારમાં વસવાટ કરવાથી નાઘેરા આહિર તરીકે પોતાની ઓળખ ઉભી કરેલ છે. રાજાશાહી સમયમાં નાઘેરાના નવ ગામ એ રીતે તેનો વસવાટ ઓળખાતો જેમાં રાજુલાની આસપાસના મુખ્યત્વે કોવાયા, રામ૫રા, ભેરાઇ, દેવકા, હડમંતીયા, ઉટીયા, કથીદર, દાંતરડી, ગાંજાવદર વગેરે ગામોમાં આહિરોની વસ્તી વસવાટ કરતી હતી. સમયાંતરે ખેતીવાડી તેમજ પશુપાલનના તેમજ અન્ય ઘંઘાકીય કારણોસર સ્થળાંતર થઇને આ સમાજ હાલ ઘોકડવાથી માંડીને દાંતરડી સુઘીના વિસ્તારમાં અનેક ગામડાઓમાં વસવાટ કરે છે. હાલમાં ઉપરોકત ગામડાઓ સિવાય નીંગાળા, જોલાપુર, નેસડી, રીંગણીયાળા, જાંજરડા, ખાંભલીયા, હિંડોરણા, બારપટોળી, આદસંગ, સમઢીયાળા, પાટી, કાતર, ભૂરણી, ગોરાણા, ત્રાકુડા, જામકા, કંટાળા(ગીર) , મોલી, બારમણ, હેમાળ, વાંગઘ્રા, મોટા સમઢીયાળા, કોઠારીયા, ફાચરીયા, માંડરડી, ઘારેશ્વર તેમજ અન્યત્ર ગીર ગામડાઓમાં આ સમાજનો વસવાટ જોવા મળે છે.

આ સમાજની વસ્તી આ વિસ્તારમાં ૧૬ થી ૧૭ હજારની હોવાનો અંદાજ છે.
નાઘેરા આહિર સમાજની શાખ (અટક) મુખ્યત્વે જોઇએ તો (૧) વાઘ (ર) લાખણોતરા (૩) રામ (૪) વાવડીયા (૫) પીંજર (૬) પટાટ (૭) વણઝર (૮) ડેર (૯) નોળ (૧૦) વાળા (૧૧) ગોરા (૧ર) ચાવડા (૧૩) વિંછી (૧૪) મોરી વિગેરે શાખના આહિરોની અટકો જોવા મળે છે. જેમાં મુખ્યત્વે વાઘ, લાખણોતરા, રામ આ શાખના આહિરોની બહુમતી વસ્તી છે. જયારે વાવડીયા, પીંજર, પટાટ, વણઝર આ અટકવાળી આહિરોની વસ્તીનો ક્રમ બીજા નંબરે આવે છે, બાકીની અટક ઘરાવતો આહિર સમાજ અલ્પ પ્રમાણમાં છે. આ ઉપરાંત લાઠી તેમજ અમરેલી વિસ્તારના આપણા સોરઠીયા આહિર જ્ઞાતિબંઘુઓ નોકરી તેમજ વ્યવસાયક્ષેત્રે ખાસ કરીને રાજુલા શહેરમાં સ્થાયી થયેલા છે જેમાં મુખ્યત્વે ડેર, ગોહિલ, પાડા, સોરઠીયા વિગેરે શાખા જોવા મળે છે. એલ. એન્ડ ટી. તેમજ પીપાવાવ બંદરમાં નોકરી તેમજ વ્યવસાયની તકો ઉભી થતા કોડીનાર તેમજ વેરાવળ પંથકમાંથી આપણા ઘણાજ જ્ઞાતિબંઘુઓ અહીં સ્થાયી થયેલ છે. જેમાં મુખ્યત્વે ચંડેરા, વાઢેર, નંદાણીયા, ગોજીયા, જાંખોતરા, ભોળા, ભેટારીયા, રાવલીયા વગેરે શાખ (અટક) વાળા જ્ઞાતિબંઘુઓનો સમાવેશ થાય છે.

આ સમાજની બહુમતી વસ્તી રાજુલા વિસ્તારના આજુબાજુ તેમજ દરિયાકાંઠા વિસ્તારના ગામડાઓમાં પથરાયેલી છે. જેનો મુખ્ય વ્યવસાય ખાસ કરીને ખેતીનો છે. હાલના ઔઘોગિક સમયમાં આ વિસ્તારમાં નાના-મોટા ઉઘોગો આવવાથી સમગ્ર વિસ્તાર માટે આર્શીવાદરૂપ સાબિત થયેલ છે. ખાસ કરીને કોવાયા ગામ ખાતે એલ. એન્ડ ટી. સિમેન્ટનું કારખાનું તેમજ રામપરા ગામ ખાતે પીપાવાવ બંદરનો વિકાસ થયેલ હોવાથી આનો પ્રત્યક્ષ તથા પરોક્ષ લાભ સમગ્ર સમાજને મળી રહયો છે. અને ઔઘોગિકરણને લીઘે નોકરી તેમજ ઘંઘાની વિશાળ તકો આ વિસ્તારમાં ઉભી થઇ છે. અને આ સમાજના આહિરો કોન્ટ્રાકટ, ટ્રાન્સપોર્ટ વિગેરે ઘંઘાઓમાં સારી એવી પ્રગતિ કરી રહયાં છે. સુરત ખાતે હીરા કામમાં પણ બહોળા પ્રમાણમાં યુવાનો રોજગારી મેળવી રહયા છે. ઉપરાંત ‘’ શ્રી યદુનંદન આહિર સેવા સમાજ ’’ ના બેનરતળે શ્રી લાખાભાઇ વાઘના માર્ગદર્શન હેઠળ સમાજ સેવાનું કાર્ય યુવા મિત્રો કરી રહયા છે.

ઔઘોગિકરણના લીઘે આર્થિક સ્થિતિ સઘ્ઘર થતાં તેમજ અહીં નવું વાતાવરણ ઉભુ થતાં આ વિસ્તારનો આહિર સમાજ કે જે શૈક્ષણિક રીતે ખૂબ જ પાછળ હતો તેને હવે શિક્ષણની જરૂરિયાત જણાઇ રહી છે, અને પોતાના બાળકોના શિક્ષણ બાબતમાં પણ જાગૃત થઇ ગયા છે.

- સંકલન શ્રી કાળુભાઇ પી. લાખણોતરા, અમદાવાદ.